Professionalism

આ ઉપરનું સ્ટેટસ અમારી ગાડી સાફ કરવા આવતા ભાઈ નું છે. એ ભાઈ રોજ સવારે લગભગ ૩૫-૩૬ ગાડીઓ સાફ કરે છે.

હું જ્યારે પણ ઓફિસ જવા નીકળું અને એ પાર્કિંગ માં મળે એટલે એક હૂંફ ભર્યું સ્મિત એમનાં ચહેરા પર હોય જ.

એક ખાસ વાત એમની, ઘણી વાર એ પૈસા લેવાનું જ ભૂલી જાય. એટલે જેવો નવો મહિનો ચાલુ થાય તો ટીના યાદ કરીને પાર્કિંગ માં શોધીને એમને પૈસા આપી દે. અને દરેક વખતે એ એક જ વાત બોલે ક્યાં ભાગી જવાના છે પૈસા ?

એ ભાઈ આજે પૂરા પરિવાર સાથે (ફોટા માં લગભગ ૧૦-૧૨ લોકો હતા) સિમલા ના ૧૦ -૧૨ દિવસ ના પ્રવાસ માં ગયા. એટલે એમણે આ સ્ટેટસ મૂક્યું. જેને કહેવાય કે keeping work life balance. ઘર વાળા સાથે ફરવા ગયા એટલે કોઈ એ હેરાન કરવા નહિ.

પણ સહુથી અગત્ય ની બાબત છે કે એ બધા ઓળખીતા લોકોને જાણ કરીને જઈ રહ્યા છે જેથી એમની ગેરહાજરી થી કોઈને તકલીફ ના પડે. એમ જ ચૂપચાપ કોઈને કહ્યા વગર ભાગી નથી ગયા.

નોંધ: professionalism ને ગુજરાતી માં શું કહેવાય એ કૉમેન્ટ્સ કરી જણાવશો!

Are you these much lucky?

હમણાં ઍક મિત્રે ઈન્સ્ટાગ્રામ રિલ મોકલી, એમાં એક છોકરી અને એક છોકરો હતા. બંને બોય ફ્રેન્ડ ગર્લ ફ્રેડ હતા. એ છોકરી એ રીલ માં કહેતી હતી કે એને રાત્રે ૨ કે ૩ વાગ્યે આઈસ્ક્રીમ કે ચોકલેટ ખાવી હોય તો પણ એનો બોયફ્રેન્ડ કઈક કરીને એ ઈચ્છા પૂરી કરતો.

મેં એવા પણ ઘણા લોકો જોયા છે કે જેમાં રીલેશનશીપ માં હોય ત્યારે એક બીજા ને ખુશ કરવા, ઇમ્પ્રેસ કરવા લોકો હદથી આગળ જઈને કઈક કરતા હોય છે. પણ, પછી લગ્ન થઈ જાય એટલે થોડા સમયમાં ઠંડા પડી જતા હોય છે. ખેર, આપડે આ વિષય પર કઈ બોલવું નથી, કેમકે લગ્ન પહેલા પ્રેમનો અનુભવ નથી 😂😂😂

વાત એ છે કે તમારો પાર્ટનર તમારી ખુશી માટે શું કરે છે ને શું નહિ.

હું રોજ ઓફિસ થી લગભગ ૧૦ વાગ્યે ઘેર પહોંચું અને ટીના મારા પહોંચ્યા પછી જમવાનું બનાવે જેથી હું ગરમ ગરમ તાજુ જમું (મે હજાર વાર કીધું છે કે રોટલી બનાવી ને કેસરોલ માં મૂકી દેવી અને માઇક્રોવેવ લઈ આવીએ એટલે ગરમ ગરમ મળે. પણ ના, ગરમ બનાવી ને જ જમાડવું છે) .

ઘણી વાર એવું પણ બને કે રાત્રે ૨ વાગ્યે મને ભૂખ લાગે અને કંઇક હાજર હોય મારા માટે.

સહું થી મોટી વસ્તુ, ઘણી વાર રાત્રે ૧૦-૧૧-૧૨ વાગ્યે મને પાણીપુરી, આઈસ્ક્રીમ ખાવો હોય કે એકદમ થી ડ્રાઇવ પર જવું હોય અને ટીના રેડી થાય, ગમે ત્યાં થી અમે પાણીપુરી કે આઈસ્ક્રીમ શોધી લઈએ 😊

ટીના ને સવારે ૫ વાગ્યે ઉઠવાનું હોય છે રોજ પણ છતાં રાત્રે ૧૨ વાગ્યે પણ મારા માટે એ મારી જોડે બહાર ફરવા આવી જાય.

હમણાં હમણાં પાછું રોજ રાત્રે જમ્યા પછી ગાડી લઈએ ફરવા નીકળવાનો નિયમ બનાવ્યો છે, એમાં પણ ટીના સાથે જોઈએ. અને એ આવી જાય મારી હુડી પહેરીને 😂

ઘણા લોકો એમ પણ બોલી જાય કે ટીના ટીના કેમ કરે આખો દિવસ? છે તો કરું છું ભાઈ તારી પાસે ફ્લોન્ટ કરવા કઈ હોય તો તું પણ કર. કોનો બાપ તને રોકે છે, તું પણ વાત કર તારા હિપ્પો ની 🤣🤣🤣

હવે સમજ પડી!

હમણાં થોડા દિવસ પહેલા સામર્થ્યની પરીક્ષા ચાલતી હતી. આમ તો મેં એને ભણવા કે ખાસ માર્કસ લાવવા દબાણ કર્યું નથી (એના માટે ટીના જ પૂરતી છે).

છતાં પરીક્ષા સમયે કે ટીના કહે ત્યારે એને થોડું સમજાવું છું કે ભાઈ થોડું વાંચી લે, ભણી લે.

હમણાં ઘરમાં પરીક્ષાનો સમય ચાલતો હોવાથી હું એક દિવસ બોલ્યો કે “ભાઈ ભણી લે થોડું, ૧-૨ દિવસ જ પરીક્ષા છે, થોડું સંભાળી લે, પછી વેકેશનમાં મજા કરજે. પરીક્ષાનું પરિણામ સારું નહીં આવે તો સારી કોલેજમાં પ્રવેશ નહિ મળે અને બહાર ભણવા જવું પડશે, હોસ્ટેલમાં જવું પડશે (હું ચાહું છું કે એ ઘર થી થોડો દૂર જાય ભણવા અને હોસ્ટેલના જીવનનો આનંદ લે, પણ ચાહવાથી થોડું બધું મળી જાય છે. નસીબમાં હોય તો જ મળે છે), આમ થશે ને તેમ થશે”. આવી ઘણી વાતો બોલ્યો.

એટલામાં મમ્મી મને બોલી “હવે સમજ પડી”, ૩૦ વર્ષ પહેલાં હું તને પણ આજ સમજાવતી હતી 😁😁😁😁 . છેક આજે સમજ પડી તને.

જ્યારે બાળક ટિનેજ માં હોય ત્યારે લાગે કે આ મારા માં બાપ કેમ આં મૂર્ખ જેવી વાતો અને દલીલો કરે છે, પછી જ્યારે એમનું બાળક ટિનેજ થાય ત્યારે એને સમજાય કે મારા માં બાપ સાચા હતા 😊 , પણ એ વખતે એનું બાળક વિચારતું હોય છે કે આ મારા માં બાપ કેમ મૂર્ખ જેવી વાતો અને દલીલો કરે છે.

હાલ તો ફૂલ વેકેશન મોડ ચાલી રહ્યું છે, કાલે રાત્રે ૨ વાગ્યાં સુધી ક્રિકેટ ચાલુ હતું (એના મોબાઈલ માં જ, કેમ કે બોક્સ ક્રિકેટ તો રાત્રે ૧૦:૩૦ કલાકે બંધ થઈ જાય છે.)