ઢાબા

એક નાના ઢાબા માં એકવાર જમવા ગયા, ઘણા બધા લોકો ત્યાં આવેલા હતા અને થોડી વધારે ભીડ હતી.
અમે લસણીયા બટાકા, ભરેલા ભીંડા, રોટલી અને છાસ નો ઓર્ડર આપ્યો.
થોડીવારમાં એક ભાઈ ઓર્ડર લઈને આવી ગયો (ધાર્યા કરતા મોડું આવ્યું હતું પણ ઓર્ડર લેવા વાળા ભાઈના મત મુજબ જલ્દી આવ્યું હતું)
અમે તો જમવા લાગ્યા, પણ અડધી રોટલી પુરી થતા થતા લાગ્યું કે ભાઈએ બટાકા બરાબર બાફ્યા નથી ને ભીંડા પણ કાચા છે. છાસમાં પણ પાણી વધારે પડેલું લાગતું હતું.
એ ઢાબાવાળા ભાઈ અને મુખ્ય રસોઈયાને અમે ઓળખતા હતા એટલે જરા એમ જ પૂછ્યું કે આ કેમ આવું થયું આજે ?
મુખ્ય રસોઈયો બોલ્યો …
— સાહેબ રવિવાર છે ને એટલે બહુ ઘરાકી છે, બહુ વાનગી બનાવવાની હતી મારે એટલે જલ્દીમાં આ બટાકા બફાયા નથી લાગતા.
— મારે તો સાહેબ બધા શાક લેવા જવાના, અહીં આવે એટલે ધોવાના, સમારવાના.  બધું મારે જ કરવું પડે છે. ટાઈમ જ નથી રહેતો. શું કરું ?
— ભીંડા બનાવવા માટે એક ખાસ માણસ રાખ્યો હતો પણ એ હમણાં ગામ ગયો છે અને હવે સારા રસોઈયા મળતા. જે મળ્યો છે એનાથી શાક બનાવડાવ્યું છે. 2-3 મહિનામાં શીખી જશે એમ લાગે છે.
— છાસ તો આ પાણી આપે છે એ છોકરાએ બનાવી છે, એ થોડો સારી છાસ બનાવી શકે !
થોડા વિચારવા જેવા મુદ્દા…
— મુખ્ય રસોઈયો તો કદાચ બહુ સારું જમવાનું બનાવે છે એટલે ઢાબાનો માલિક એને કાઢશે નહિ,  જો માલિક એને કાઢી પણ મૂકે તો એ ક્યાંક ગોઠવાઈ જશે.
— જે રસોઈયો એના ગામ ગયો છે, એને કાઢી દેશો તો એ બીજે જતો રહેશે. કદાચ એને એની નોકરીની પડી નથી અથવાતો એને વિશ્વાસ હશે કે બીજી મળી જશે. આવા માણસો બીજે ઢાબા શોધી પણ કાઢતા હોય છે.
— પાણી વાળો છોકરો તો અહીંયા જ રહેશે, કાઢી મુકશે તો બીજે પણ પાણી જ પીવડાવશે.
આ ખરાબ વાનગી બની એનાથી નુકશાન કોને થયું?
— ગ્રાહક, જે સરસ જમવા આવ્યો હતો એનો જીવ બળ્યો કે સારું જમવા ના મળ્યું
— ઢાબાનો માલિક, જે કદાચ એના ગ્રાહક કાયમ માટે ખોઈ દેશે અને કદાચ એને જે નફો થવો જોઈતો હતો એ ના થયો.
— ગ્રાહક કદાચ વાનગી પાછી કરશે અને ફરીથી બીજી વાનગી બનાવા કહેશે.  એમાં પણ કદાચ ગ્રાહકને બહુ સંતોષ નહિ મળે પણ ઢાબાના માલિકને તો એ નુકશાન જ છે.
— કદાચ એ ગ્રાહક બીજી વાર ત્યાં નહિ જાય, એટલે કાયમી નુકશાન.
— કદાચ એ એના 10 મિત્રોને કહેશે કે અહીંયા ના જતા બેકાર બનાવે છે.
નાની અમથી વાર્તા છે, પણ તમારા કાર્યક્ષેત્રમાં કેવી રીતે કામ કરવું અને કામ કરાવવું એ શીખવી જાય છે.
સમજનારા સમજી જજો બાકી હાઇવે પર ઘણા ઢાબા હોય છે …
Advertisements