ગુરુ પૂર્ણિમા-2016

આજે સવાર થી જ ફેસબુક અને બીજી સોસીયલ નેટવર્કિંગ સાઇટ્સ અને વોસ્ટ્સેપ માં ગુરુ પૂર્ણિમા ના મેસેજ આવ્યે જાય છે. ઘણા મિત્રો એ મેસેજ કરી ને આભાર માન્યો, કોણ જાણે મેં શું શીખવી દીધું તું એમને 🙂
જ્યારે નાના હતા અને સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા હોય એટલે આચાર્ય સાહેબ માઈક પર સરસ વાર્તા કહેતા (હા, અમારી સ્કૂલના આચાર્ય સાહેબ વાર તહેવારે નહીં પણ લગભગ દર શનિવારે એક વાર્તા કહેતા. નાના હતા, બહુ સમાજ ન’તી પડતી પણ એ વાર્તા સાંભળવાની મજા આવી જતી હતી.) અને પછી થોડા કાર્યક્રમ થતા કે વર્ગમાં જઈને કૈક કાર્યક્રમ કરતા. પણ એકંદરે મજા આવતી. થોડા મોટા થાય પછી સાહેબોના નામ રાખતા થયા  હતા (હા, બધા સાહેબોને કોઈ વિચિત્ર નામ આપવામાં આવતું) .

આમ મારા અભ્યાસકાળમાં મેં ઘણી સ્કૂલો અને કોલેજો માં અભ્યાસ કર્યો પણ એમાં જેને પ્રથમ ક્રમે મૂકી શકું એવા સાહેબ હોય તો એ છે મારા કોલેજ દરમિયાન ના ગણિત ના સાહેબ – શ્રી.  જયેશ શાહ સાહેબ. 2000 ની સાલ માં હું એમની પાસે થી R.G. Shah sci. college માં ગણિત શીખ્યો. ઘણા વર્ષો થઇ ગયા છે એમને મળ્યો નથી, એક દિવસ સમય કાઢી ને એમને મળવા જવું છે.

જીવનમાં એટલા બધા લોકો એ જ્ઞાન આપ્યું છે કે કોનો આભાર માનવો ને કોનો નહીં એ સમજાતું નથી હવે તો 🙂
એક દાખલો આપું તો…

હમણાં એક દિવસ લો ગાર્ડન બાજુ થી જતા હતા અને રસ્તા માં ટેન્ક મુકેલી આવે છે ( NCC ના કેમ્પસ આગળ) . હું અમસ્તો જ બોલ્યો કે આને તો આજે બાંધી ને ઘેર લઈ જવી છે (જો જો ભાઈ કોઈ દિવસ એ ટેન્ક ચોરાય તો મને ના પકડવા આવતા, મેં વિચાર મંદી વાળ્યો છે). તો તરત જ સામર્થ્ય બોલ્યો, ડેડી એમ કોઈની વસ્તુ ના ચોરી લેવાય . પોલીસ અંકલ પકડી લઈ જાય. મને સાંભળીને ઘણું સારું લાગ્યું કે વાહ રે તારી સ્કૂલ, તારા શિક્ષકો અને વ્યક્તિ જેને તને આ શીખવ્યું.