પંચર – નાનકડી લવ સ્ટોરી

​આજે રચનાને ઓફિસથી નીકળતા રોજ કરતા થોડું ​વધારે મોડું થઇ ગયું હતું. એ ફટાફટ એક્ટિવા પર એની ઓફિસની દોસ્ત રાધા સાથે નીકળી. હજુ તો માંડ 2-3 કિલોમીટર ચાલ્યા હશે અને એક્ટિવામાં પંચર પડ્યું.

રચનાએ તરત જ એક્ટિવા બાજુમાં લઈને એના હસબન્ડ જીગરને ફોન કર્યો અને એને મદદ કરવા આવવા કહ્યું, જીગર ઓફિસના કામમાં થોડો ખોવાયેલો હતો એટલે એણે રચનાને એક્ટિવા બાજુમાં ક્યાંક પાર્ક કરી રીક્ષા માં ઘેર જવા કે પછી કલાક જેવી રાહ  જોવા કીધું.​

કલાક રાહ જોવી તો શક્ય નહોતું, એટલે રચનાએ વિચાર્યુ કે ચાલો નજીકના કોમ્પ્લેક્ષમાં એક્ટિવા મૂકીને ઘેર જાય અને કાલે આવતાં લઇ લેશે.

એટલામાં જ એના પર મિહિરનો ફોન આવ્યો. મિહિર એ રચનાનો ખાસ મિત્ર. બંને એક બીજાને લગભગ સ્કૂલમાં ત્રીજા – ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારથી ઓળખે.

મિહિર આમ વાર તહેવારે રચનાને ફોન કરી ખબર અંતર પૂછી લેતો. રચના જેવી ફોન ઉપાડીને બોલવા લાગી અને મિહિરને ખબર પડી ગયી કે કઈક તકલીફ છે. એક-બે વાર પૂછવા છતાં રચના બોલી નહિ પણ બાજુમાં ઉભેલી રાધા પંચર વિષે બોલી જતા મિહિરને સંભળાઈ ગયું અને પછી રચના એ બધી વાત કહી.

મિહિરે માત્ર એમ કહ્યું કે ત્યાં જ બેશો, હું 15 મિનિટમાં પહોંચું છું અને ખરેખર 15 મિનિટમાં મિહિર આવી પણ ગયો.
એક્ટીવાને બાજુમાંથી ધક્કા મારી ધીમે ધીમે રચનાના ઘેર પહોચાડ્યું અને રાધાને પણ રિક્ષામાં બેસાડીને સહીસલામત ઘેર પહોંચતી કરી.

બીજા દિવસે લંચ સમયે …

રાધા : તું હજુ મિહિરને પ્રેમ કરે છે?

રચના : હા, પણ એનો કોઈ મતલબ નથી હવે. લગ્ન પહેલા પણ એને જ પ્રેમ કરતી હતી, બસ એને કહી ના શકી ક્યારેય.

રાધા : તને એની આંખોમાં તારા માટે પ્રેમ નથી દેખાતો?
રચના : હા, પણ હું ક્યારેય એને આ વિષે વાત કરવાની હિમ્મત ભેગી ના કરી શકી. અને હવે લગ્ન પછી એ વાત કરવી શક્ય નથી.

રાધા : અને મિહિરે ક્યારેય તને પ્રપોઝ નથી કર્યું ?
રચના : ના, ક્યારેય નહિ. કદાચ એ પણ મારી જેમ ગભરાતો હશે પ્રપોઝ કરતા. કદાચ એને લાગ્યું હશે કે હું એના માટે શું વિચારીશ ? કદાચ હું ના પડી દઈશ તો એ શું કરશે?

અને એટલામાંજ મિહિરનો ફોન આવ્યો અને એણે કીધું કે એકટીવા તૈયાર છે અને એની ઓફિસની બહાર એક ભાઈ એક્ટિવા આપવા આવ્યા છે, ચાવી લઈ લે અને પૈસા આપવાની જરૂર નથી એમને.
ફોન મુકતાની સાથે રચનાની આંખ માંથી એક નાનકડું મોતી જેવું આંસુ નીકળ્યું જે એણે ધીમેથી રાધાથી છુપાવીને લૂછી લીધું.
રચના ફરીથી ક્યારેક પંચર પડવાની આશા સાથે જીવનની ગાડીને આગળ વધારતી ગયી.

algorithm

આજે ઓફિસમાં એક બેબલીને કોડીંગ કરતા પહેલાં અલ્ગોરિથમ લખતા જોઈ.
મારી તો આંખો ભરાઈ આવી આ જોઈને.
આજકાલના કોડરોની કોડિંગ કરવાની રીત જોઈને મને જેટલો ગુસ્સો આવે છે એટલી જ શાંતિ આ અલ્ગોરિથમ લખતી બેબલીને જોઈને થઇ.

મારુ સહુથી પ્રિય

અલ્ગોરિથમ

ગુજરાતી માં લખાણ

​હમણાં એક વકીલ ની ઓફિસમાં કામથી જવાનું થયુ.

એમણે મને એક કાગળ અને પેન ધર્યા અને એક શબ્દ લખવા કહ્યું, જે એ ટાઈપ કરવાના હતા.

મેં 3 પ્રયત્ન કર્યા પણ મને એ લખતાં ના ફાવ્યું, પછી મેં ટીઆ સામે જોયું અને એ હસી.

મારા હાથમાંથી પેન લઈને વકીલ સાહેબને લખી આપ્યું.

બહુ નાની વસ્તુ છે, પણ મને બહુ દુઃખ થયું કે મને ગુજરાતી લખતા નથી આવડતું. હા, ગુજરાતી ટાઈપ કરવાનું હોય તો હું ફટાફટ કરી આપું, પણ આ લખવાનું તો લગભગ 20+ વર્ષો થી બંધ છે.

હવે આનું કશું થાય એમ નથી, બીજી વાર ધ્યાન રાખવામાં આવશે કે કોઈ ગુજરાતીમાં લખવા કાગળ / પેન ધરે તો ટીઆ ને આપી દેવા 🙂