કાતરી

ના મિત્રો, કાતરી વેચવાનો ધંધો ચાલુ નથી કર્યો હજુ. કદાચ કરું તો જરૂર જણાવીશ.

હમણાં એક દિવસ બપોરે જમતો હતો. એક મિત્રનો ફોન આવ્યો અને વાત ચાલુ થઈ. વાત વાત માં વાત ડબ્બામાં રહેલી કાતરી પર આવી. ટીના મને જમવાના એક ડબ્બા માં મૂળ ગુજરાતી કાતરી (જે આપણે બાળપણ ના આમયમાં ઘેર જાતે છીણી, બાફી પછી સુકાવતા. અને આખું વર્ષ એ વાપરતા) આપે. એ મિત્ર બોલ્યો કે બહુ વર્ષો થઈ ગયા હવે તો આવી કાતરી નથી ખાવા મળતી. મમ્મીની ઉંમર થઈ ગયી એટલે એ હવે ના કરી શકે આ બધું. અને પત્ની જોડે સમય નથી. હવે તો બસ તૈયાર ચિપ્સના પેકેટ મળે.

એટલે હું બોલ્યો કે આ તો ટીનાની મહેરબાની છે કે આ બધું બનાવે અને ભરી આપે છે. બાકી હું પણ ચિપ્સ જ ખાતો હોત. એટલે એ બોલ્યો કે હા તારી વાઈફ જોબ નથીં કરતીને એટલે એ આ બધું કરી શકે. મારી વાઈફ તો જોબ કરે એટલે સમય ન હોય એની જોડે.

મને આજ સુધી આ ગણતરી નથી સમજાઈ કે નોકરી કરતી સ્ત્રી કેમ બહુ વ્યસ્ત હોય અને ઘર સાંભળતી સ્ત્રી ને લોકો કેમ નવરી સમજે?

એટલે મેં તરત એને પૂછ્યું કે તારી વાઈફ જોબ સિવાય કયા બીજા ઘરના કામ કરે? શુ એ કચરા, પોતું, વાસણ, કપડાં ધોવાનું, જમવાનું બનાવાનું, તારા મા બાપ ની સેવા કરવાનું, એમનું જમવાનું બનાવાનું, તારા દીકરાને સ્કૂલ માટે તૈયાર કરવાનું, એની સ્કૂલના અભ્યાસ વિશે ધ્યાન રાખવાનું, એને રોજ ભણાવવાનું, એને સ્કૂલે લેવા-મુકવા જવાનું, ટ્યુશન માં લેવા-મુકવા જવાનું, સંગીતના વર્ગમાં મુકવા જવાનું, કારીયાણું – શાકભાજી – દૂધ – દહીં લાવવાનું આવા કોઈ કામ કરે? તો એનો બધા માટે એક જ જવાબ હતો કે ના.

એટલે મેં એને કીધું કે જો ભાઈ મારી ટીના રોજ ૫:૩૦ વાગ્યે સવારે ઉઠે. પછી એ મારો નાસ્તો અને જમવાનું બનાવે. ૬:૦૦ વાગતા એ સામર્થ્ય ને ઉઠાડે અને સ્કૂલ જવા તૈયાર કરે. એને પણ નાસ્તો આપે અને સ્કૂલમાં લઇ જવા ગરમ ગરમ તાજો નાસ્તો બનાવી આપે. પછી એને સ્કૂલે મુકવા જાય. ત્યાંથી આવીને મને ઉઠાડે. પછી મને નાસ્તો બનાવી આપે. હું તૈયાર થાઉં ત્યાં સુધી મારુ જમવાનું તૈયાર કરીને ટિફિનમાં ભરી આપે. પછી એ એના, સામર્થ્ય અને મમ્મી, પપ્પા માટે બપોરના જમવાના માટે તૈયારી કરે. એ દરમિયાન એ બીજા ઘરકામ પણ પતાવી દે. ઘરની સાફ સફાઈ, ધોયેલા વાસણ અને કપડાં ગોઠવવા એ બધા કામમાં લગભગ બપોર થઈ જાય. પછી એ બપોર થતા જ મમ્મી, પપ્પા ને ગરમ રોટલી બનાવી આપે. પછી એ સ્કૂલે જાય અને સામર્થ્યને ઘેર લાવે. ઘેર આવી પછી ફરી એના અને સામર્થ્ય માટે રોટલી બનાવે. જમ્યા પછી રસોડું સાફ કરવું અને બીજી થોડી સફાઈ કરે. પછી સમર્થયાને સ્કૂલ કે ટ્યુશનમાં જે લેસન આપ્યું હોય એ જોવાનું. બપોરે લગભગ ૩ થી ૪ જગ્યા એ ટ્યુશનમાં જવું પડે એ લઇ જાય. બપોર પછી ફરીથી સાંજના જમવાનુ બનાવાની તૈયારી હોય. રાત્રે ફરી જમીને થોડું ભણવાનું અને પછી ૯:૩૦ થી ૧૦:૦૦ સુધીમાં સુઈ જવાનું.

આમાં વચ્ચે વચ્ચે જરાક કલાક કે અડધો કલાક આરામ કરવા સમય મળતો હોય. બાકી એના સિવાય આખો દિવસ દોડધામ ચાલુ ને ચાલુ જ.

આની સામે તારી પત્ની બસ સવારે તૈયાર થઈને ઓફીસ જાય અને સાંજે ૭ વાગતા થાકીને પછી આવે.

આ લાંબા ભાષણ પછી એ કઈ બોલ્યો નહીં, બસ એમ બોલ્યો કે તારી વાત બિલકુલ સાચી છે. ઘેર રહી કામ કરતી સ્ત્રીઓ પણ ખૂબ કામ કરતી હોય છે.

નોંધ: ટીના પણ ૨૦૨૦ સુધી સ્કૂલમાં શિક્ષકની જોબ કરતી જ હતી અને એની સાથે આ બધું સાંભળતી હતી. હવે કોવિડ ના કારણે જોબ મૂકી દીધી છે.

સીધી બાત નો બકવાસ!

ના ભાઈ કોઈ એ મને કોઈ ઠંડા પીણાં ની જાહેરાત માટે પૈસા નથી આપ્યા. આમ પણ મને ઠંડા કે ગરમ પીણાં નો બહુ શોખ નથી.

આતો અમારા વિપુલભાઈ પ્રેમથી કોફી આપે એટલે પી લઈએ. બાકી હવે કોઈ બોલાવતું નથી કોફી પીવા 😥😥😥 (આ બહુ ગોપનીય વાત છે, જાહેરમાં કહેવાય એમ નથી)

હા તો મુદ્દાની વાત હતી કે સીધી બાત… વાત હતી પતિ પત્નીના સંબંધ અને પ્રેમ વિશે.

ટીના એ કાલે સીધી ભાષામાં સમજાવ્યુ.

લગ્ન પહેલા કહે “તારા માટે ચાંદ તારા તોડી લાવીશ.”

લગ્ન પછી કહે “એ રહ્યો ચાંદ ને એ રહ્યા તારા, જે તોડવા હોય તોડી લે” ☺️☺️☺️

પછી અમે બંને જણ જોર જોર થી હસવા લાગ્યા. સામર્થ્ય ને ખબર ના પડી પણ એ સામે જોઈ રહ્યો.

હજુ એ ચાંદ તારા તોડવાની ઉંમર માં છે.

બળેલા લોકો

મિત્રો,

આજનો આપણો વિષય છે – બળેલા લોકો. આ એ કમનસીબ લોકો નથી કે જે કોઈ અકસ્માત માં દાઝી ગયાં હોય. આ એ લોકો છે જે જાતે (ઈર્ષા રૂપી) ઉકળતા તેલમાં પડી પોતાની જાતને દઝાડે છે.

આમાં ઘણાં લોકો એવા હોય છે કે પોતાની ઓડી નું સુખ ના લે પણ બીજા ની સેન્ટ્રો માં દુઃખી થઈ જાય 😁

મેં ઘણાં લોકો જોયા છે કે જે કોઈ ફેસબુક મિત્રનો ફોટો જોવે તો એમાં ડિટેલ્સ માં જઈ ને કેમેરાની ડિટેલ, લોકેશનની ડિટેલ, સમય એ બધું જુવે. પછી વિચારે …

આ DSLR ક્યારે લાવ્યો અને ક્યાંથી લાવ્યો હશે?

આ ફોરેન ફરવા ગયો તો ખરેખર?

ફોટો પાડ્યા ની તારીખો જોવે અને શોધે કે એ ભાઈએ (કે બહેને) એ દિવસોમાં ઓફીસમાં રજા મૂકી હતી?

આટલું નાનું જીવન અને એમાં કેમ આટલો બધો ભાર માથે લેવો છે ભાઈ?

આ ઉપર જણાવેલ મારી સાથે બનેલું છે (૧૦ વર્ષ જેવી જૂની વાત છે પણ અચાનક યાદ આવી ગયી), મારા ફેસબુકના ફોટા માં મારા નાનકડા 3 BHK ઘરના ફોટા જોઈને એક મોટા બંગલા વાળા મિત્રને દુઃખ આવી ગયું હતું 😂😂😂