ખાલીપો

એ એને પ્રેમ કરતો હતો, એમ પણ કહી શકાય કે એ એને જ પ્રેમ કરતો હતો.

ખરેખર તો એ જ યોગ્ય કહેવાય કે એ એને જ પ્રેમ કરતો હતો.

એ પણ એને પ્રેમ કરતી હતી. અને એક દિવસ એ એને એકલો મૂકીને બીજા કોઈ જોડે જતી રહી.

એના માટે જીવન જીવવાનો કોઈ અર્થ જ ન રહ્યો. એ સીધો રેલના પાટા તરફ ગયો. ત્યાં પહોંચતા જ એના મનમાં એના પરિવાર વિશે વિચારો આવ્યા અને એની માં નો ચેહરો દેખાયો.

એ ત્યાંથી સીધો ઘેર આવ્યો, એના રૂમમાં જઈને આખી રાત ખૂબ રડ્યો.

વહેલી સવારે એની પરિસ્થિતિથી અજાણ એની માં એ હંમેશાની જેમ એને એક કવર આપ્યું, એમાં છોકરીઓ ના ફોટા હતા. માંએ કહ્યું, જોઇ લે કોઈ ગમે તો કહેજે.

એણે બધા ફોટા જોયા અને બધા ફોટામાં કંઈક શોધવા લાગ્યો પણ મળ્યું નહીં. પણ માની ખુશી માટે એ ફોટાને ઉંધા કરી પત્તાંની જેમ ચીપ્યા અને છેલ્લે ઉપર આવેલો એક ફોટો માંને આપ્યો.

માં એ ખુશીખુશી પંડિતજીને ફોન કરી તારીખો નક્કી કરવા કહી દીધું.

થોડા દિવસમાં એના લગ્ન થઈ ગયા અને થોડા મહિનાઓમાં એક બાળક પણ આપ્યું ઈશ્વરે.

અને આજે એ સુખી સુખી એનું જીવન એક ખાલીપા સાથે જીવી રહ્યો છે.