હવે સમજ પડી!

હમણાં થોડા દિવસ પહેલા સામર્થ્યની પરીક્ષા ચાલતી હતી. આમ તો મેં એને ભણવા કે ખાસ માર્કસ લાવવા દબાણ કર્યું નથી (એના માટે ટીના જ પૂરતી છે).

છતાં પરીક્ષા સમયે કે ટીના કહે ત્યારે એને થોડું સમજાવું છું કે ભાઈ થોડું વાંચી લે, ભણી લે.

હમણાં ઘરમાં પરીક્ષાનો સમય ચાલતો હોવાથી હું એક દિવસ બોલ્યો કે “ભાઈ ભણી લે થોડું, ૧-૨ દિવસ જ પરીક્ષા છે, થોડું સંભાળી લે, પછી વેકેશનમાં મજા કરજે. પરીક્ષાનું પરિણામ સારું નહીં આવે તો સારી કોલેજમાં પ્રવેશ નહિ મળે અને બહાર ભણવા જવું પડશે, હોસ્ટેલમાં જવું પડશે (હું ચાહું છું કે એ ઘર થી થોડો દૂર જાય ભણવા અને હોસ્ટેલના જીવનનો આનંદ લે, પણ ચાહવાથી થોડું બધું મળી જાય છે. નસીબમાં હોય તો જ મળે છે), આમ થશે ને તેમ થશે”. આવી ઘણી વાતો બોલ્યો.

એટલામાં મમ્મી મને બોલી “હવે સમજ પડી”, ૩૦ વર્ષ પહેલાં હું તને પણ આજ સમજાવતી હતી 😁😁😁😁 . છેક આજે સમજ પડી તને.

જ્યારે બાળક ટિનેજ માં હોય ત્યારે લાગે કે આ મારા માં બાપ કેમ આં મૂર્ખ જેવી વાતો અને દલીલો કરે છે, પછી જ્યારે એમનું બાળક ટિનેજ થાય ત્યારે એને સમજાય કે મારા માં બાપ સાચા હતા 😊 , પણ એ વખતે એનું બાળક વિચારતું હોય છે કે આ મારા માં બાપ કેમ મૂર્ખ જેવી વાતો અને દલીલો કરે છે.

હાલ તો ફૂલ વેકેશન મોડ ચાલી રહ્યું છે, કાલે રાત્રે ૨ વાગ્યાં સુધી ક્રિકેટ ચાલુ હતું (એના મોબાઈલ માં જ, કેમ કે બોક્સ ક્રિકેટ તો રાત્રે ૧૦:૩૦ કલાકે બંધ થઈ જાય છે.)

Leave a comment