આજે પાકું કર્યું હતું

આજે સવારે નાસ્તો કરવા બેઠા એટલામાં ઘરવાળી બોલી “આજની તારીખ યાદ છે?”

અને મારા પેટમાં ફાળ પડી, હવે પાછું શુ ભૂલી ગયો ! કેમકે આપણે ભૂલી જવામાં એક્કા.

સગાઈ ડિસેમ્બરમાં થઈ હતી, લગ્ન ભર ઉનાળે ☺️, સામર્થ્ય માર્ચ માં જનમ્યો હતો. મમ્મી, પપ્પાની જન્મતારીખ પણ નહોતી. (જોયું મને કેવી બધી તારીખો યાદ રહે છે, પરણિત હોવા છતાં !@#$ ). તો આજે શુ થયું હતું!?!

એટલે હું તરત બોલ્યો, આજે આવી હતી મને જોવા? તો ટીના બોલી ના, આજે તમારા મમ્મી, પપ્પા આવ્યા હતા પાકું કરવા. તમે તો મને જોઈને ભાગી ગયા હતા હૈદરાબાદ ☺️.

ભાગ્યો તોય બોલો ફસાઈ ગયો છેવટે, થવાનું થઈને જ રહે છે અને સારી પત્ની મળવાની હોય તો મળીને જ રહે છે ભલે પછી હાયદ્રાબાદ ભાગી જાવ !

તો જાહેર જનતા ને જાણવાનું કે ૩૧-૧૦-૨૦૦૬ ના રોજ અમારું પાકું થયું હતું. ત્યારથી અમે જોડે છીએ .

ક્લાયન્ટ

હમણાં એક ક્લાયન્ટ જોડે વાત ચાલતી હતી અને એ નીચેના શબ્દો બોલ્યો …
It is totally worth it, you guys are amazing in programming and I also like your culture and food.
I used to work at Intel with some people from India and you are all excellent people, well educated, respectful and smart.
Yes, you guys are very good. No complains whatsoever.
મને ભારોભાર ખુશીનો અહેસાસ થયો. સાથે સાથે એ અજાણ્યા લોકો પર માન ઉપજયું જેમની સાથે આ ક્લાયન્ટે કામ કર્યું હતું.
બાકી, હમણાં એક વિદેશ પ્રવાસમાં ગયો હતો ગયા મહિને ત્યાં મને આપણાં ગુજરાતી લોકોનાં “રીતભાત” અને “વ્યવહાર” …  દૂર થી જ દેખાઈ આવે કે આ ગુજરાતી ટોળું છે.
ત્યાંના અમુક સ્થાનિક દુકાન / સ્ટોર / હોટલ વાળા લોકો એવું પણ બોલ્યા કે તમે લોકો ઇન્ડિયન નથી લાગતા, તમે બીજા ઇન્ડિયન લોકો ​જેવું નથી વર્તતા.
હું ગુજરાતી પર ભાર મુકું છું એ જોવું હોય તો કોઈ પર્યટન સ્થાન પર જોવું, ઇન્ડિયન અને એમાં પણ ખાસ કરીને ગુજરાતી લોકો જુદા જ તરી આવે છે. પર્યટન સ્થાન તો ઠીક, વિમાનની ફ્લાઇટ માં જ જુદા તરી આવે આપડા વાળા.
એક ભાઈ હોટલ લોન્જ માં બેસીને કાચી 35 મસળી રહ્યો હતો, ત્યાં હોટલનો એક કર્મચારી મને પૂછવા લાગ્યો “What is he doing Sir?”
શું કહું એને કે માવો બનાવે છે 🙂 અને હમણાં એ ખાઈને થુંકશે બધે ખુલ્લામાં !